સમુદ્રમાં ફરી વાવાઝોડું આવી રહ્યુ છે. આ વખતે તેનું નામ દાના વાવાઝોડુ રાખવામાં આવ્યું છે. દરિયાઈ ચક્રવાત દાના વાવાઝોડાને લઈને એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે કહ્યું છે કે દક્ષિણ પશ્ચિમ બંગાળથી લઈને દક્ષિણ ભારતમાં ભારે વરસાદ થઈ શકે છે. આ વાવાઝોડુ 24 થી 26 ઓક્ટોબરની વચ્ચે ત્રાટકી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ભારત, બાંગ્લાદેશ અને મ્યાનમારને સૌથી વધુ અસર થવાની સંભાવના છે. આવો જાણો ગુજરાત પર શું પડી શકે છે અસર અને અંબાલાલ પટેલે શું આગાહી કરી.
વરસાદની આગાહી?
હવામાન વિભાગે કહ્યું છે કે ઉત્તર તમિલનાડુ, રોયલ સીમા, કર્ણાટક અને કેરળમાં આગામી 24 કલાક દરમિયાન હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. કેરળ, તેલંગાણા, આંધ્રના દરિયાકાંઠાના વિસ્તારો, ઓડિશા, પશ્ચિમ બંગાળ, ઝારખંડના ભાગો, કોંકણ અને ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. સિક્કિમ, પૂર્વોત્તર ભારત, છત્તીસગઢના ભાગો, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, વિદર્ભ અને દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ થઈ શકે છે.
અરબી સમુદ્રમાં વાવઝોડાની હલચલ
હવામાન વિભાગે કહ્યું છે કે બંગાળની ખાડીમાં બનેલું લો પ્રેશર ભારતીય સીમા પાર કરીને અરબી સમુદ્રમાં પહોંચી ગયું છે. જેના કારણે અરબી સમુદ્રના તટીય વિસ્તારોમાં હલચલ જોવા મળી રહી છે. માછીમારોને માછીમારી કે અન્ય પ્રવૃત્તિઓ માટે અરબી સમુદ્રમાં ન જવાની સલાહ આપવામાં આવી છે.
અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે તાજેતરની આગાહીમાં જણાવ્યું છે કે 22 ઓક્ટોબર પછી દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં માવઠું થશે. 20 નવેમ્બર સુધીમાં, અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન સર્જાશે, જો સાનુકૂળ સ્થિતિ પ્રવર્તે તો વાવાઝોડામાં પરિવર્તન થઇ શકે છે. રાજ્યના વિવિધ ભાગોમાં અણધાર્યો વરસાદ પડશે. 22 થી 24 ઓક્ટોબર સુધી બંગાળની ખાડીમાં ભારે તોફાન ફૂંકાશે. ઉત્તરી પર્વતીય વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે જે બરફ અને ઠંડી લાવશે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, પંચમહાલ અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા. બપોર બાદ ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે. કચ્છના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે. 29-30 ઓક્ટોબરની આસપાસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ થશે. દિવાળીના તહેવારો દરમિયાન વાદળછાયું વાતાવરણ રહી શકે છે. 1 થી 7 નવેમ્બર સુધી વાતાવરણ વાદળછાયું રહેશે. બંગાળની ખાડીમાં સર્જાયેલા ચક્રવાતની અસરને કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ પડી શકે છે.
આજે ક્યાં વરસાદની આગાહી?
વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુર, ભાવનગર, અમરેલી, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.